નવી દિલ્હી: કેંદ્ર સરકારના ત્રણ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલનને વધુ તેજ કરવાની તૈયારીમાં છે. ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોએ હવે કેંદ્ર સરકાર સામે પણ કડક વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ કાલે દેશભરમાં પ્રધાનમંત્રી મોદીનું પૂતળુ સળગાવવાની જાહેરાત કરી છે.



આજે સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદ કરવા આવેલા ખેડૂતોએ કહ્યું કે એમએસપી પર સરકાર સાથે વાત ચાલી રહી છે પરંતુ અમે ત્રણેય બિલ પરત કરાવીને રહીશું. ખેડૂત નેતાએ કહ્યું, અમે આંદોલનનને વધારે ઝડપી કરશું. આઠ ડિસેમ્બરે ભારત બંધ રહેશે, તમામ ટોલ પ્લાઝા પણ બંધ કરાવશું. આ સાથે જ દિલ્હી આવનારા તમામ રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે.

આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ કહ્યું કે આજે તમિલનાડુમાં અને કર્ણાટકમાં અમારૂ પ્રદર્શન હતું. હવે એ ખેડૂતોને પણ દિલ્હી આવવા માટે કહેવામાં આવ્યું છે. સમગ્ર દેશના ખેડૂતોને દિલ્હી આવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. લડાઈ આર પારની થશે. પાછળ હટવાનો સવાલ જ નથી.
ખેડૂત નેતાઓએ કહ્યું, કર્ણાટકમાં 7 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વિધાનસભા બહાર ખેડૂતો ધરણા કરશે. બંગાળમાં રસ્તા રોકો આંદોલન થશે. કોઈ સરકારમાં હિમ્મત નથી કે આ આંદોલન સામે ટકી શકે.