નવી દિલ્હી: નવા કૃષિ કાનૂનના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે.અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ છે. હવે આ આંદોલનની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાંજે 7 વાગ્યે ખેડૂત નેતાઓને વાતચીત કરવા માટે બોલાવ્યા છે.


ગૃહ મંત્રી અમિત શાહે અચાનક આ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે સરકાર પહેલાથી જ 9 ડિસેમ્બરના રોજ એટલે કે બુધવારે ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરવાના છે. એ પહેલા જ અમિત શાહે ખેડૂતોને મળવા બોલાવ્યા છે.



ખેડૂત નેતાઓ સાંજે 7 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે, આ એક અનૌપચારિક મુલાકાત હશે. સવારમાં જ અમિત શાહ તરફથી ખેડૂતોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે અંતર્ગત કુલ 13 સભ્યો અમિત શાહ સાથે મુલાકાત કરશે.

અમિત શાહે સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતોને બોલાવ્યા છે. રાકેશ ટિકૈતને પણ બેઠકમાં બોલાવ્યા છે. રાકેશ ટિકૈતે જણાવ્યુ હતું કે, મારા પર ફોન આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે મળવા માટે બોલાવ્યા છે.