નવી દિલ્હી: નવા કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સુધારાના પ્રસ્વાવને ખેડૂત સંગઠનોએ બુધવારે નકારી દીધો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ આ નિર્ણય બાદ સિંધુ બોર્ડર પર કહ્યું કે, હાલમાં સરકાર સાથે બેઠક કરવાની ખેડૂતોની ઈચ્છા નથી. તેની સાથે જ તેમણે ખેડૂતોને ફરી ઠોસ પ્રસ્વાવ મોકલવા કહ્યું છે. જો કે, સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.


કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો કિસાન મોર્ચા દ્વારા લેખિતમાં જવાબ આપતા કહ્યું કે, “આ પત્ર બદનામ કરવાનો પ્રયાસ છે. સરકાર સાથે વાતચીતમાં રણનીતિનો સહારો લેવામાં આવ્યો છે. આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનું આ વલણ ખેડૂતોને વિરોધ પ્રદર્શ તેજ કરવા મજબૂર કરી રહ્યું છે. ”

સંયુક્ત કિસાન મોર્ચાએ વધુમાં કહ્યું કે, “ખેડૂતોની માંગ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની છે, પરંતુ સરકાર સંશોધનથી આગળ નથી વધી રહી. અમે કાયદામાં સુધારાની માંગ નહીં તેને રદ કરવાની માંગ કરી રહ્યાં છે. એમએસપી પર તમે લેખિત પ્રસ્તાવ આપી રહ્યાં છો. વીજળી કાયદા પર તમારો પ્રસ્તાવ અસ્પષ્ટ છે. જવાબ આપવું વાજબી નથી. સરકારને આગ્રહ છે કે ઠોસ પ્રસ્તાવ લેખિતમાં મોકલે જેથી અમે સરકાર સાથે વાતચીતને આગળ વધારી શકીએ. ”

ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર આગ સાથે રમી રહી છે. યુવાનો પરેશાન છે કે તેમના ઘરના વૃદ્ધ વડીલો એક મહિનાથી દિલ્હી બોર્ડર પર બેઠા છે. યુવાનો સંયમ ગુમાવી રહ્યાં છે. તેથી સરકારને ચેતવણી છે કે, ખેડૂતો પર થોપવામાં આવેલા કાયદા પરત લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી અને તેની આસપાસ હજારો આંદોલનકારી ખેડૂતોનો બુદવારે 28મો દિવસ હતો. અત્યાર સુધી સરકાર સાથે પાંચ તબક્કાની વાતચીત થઈ ચુકી છે. ખેડૂતો નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.