નવી દિલ્હીઃ દિલ્હીની સરહદ પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો આજે 25મો દિવસ છે. ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠોનોએ અત્યાર સુધી આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શહીદનો દરજ્જો આપ્યો છે.


પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા ચૌધરી બિરેન્દરસિંહે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે. બિરેન્દસિંહ હરિયાણાના સામ્પલા ખાતે ખેડૂતો દ્વારા આયોજિત ધરણામાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે દેશના દરેક નાગરિકનું આંદોલન છે.

સિંહે કહ્યું, ખેડૂતો સાથે ઉભા રહેવું મારી નૈતિક જવાબદારી છે. ખેડૂતોને નવા કૃષિ કાયદાથી તેમની આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જવાનો ડર છે. આ લડાઈના સાક્ષી બનવાનો મેં નિર્ણય લીધો છે, આ લડાઇના અમે સમર્થક બનીશું. ખેડૂત આંદોલનના સમર્થનમાં અમે દિલ્હીની આસપાસ હરિયાણાના જિલ્લામાં સાંકેતિક ભૂખ હડતાળ કરીશું.

હરિયાણાના સામ્પલા ખાતે સર છોટુરામ મંચ દ્વારા ધરણાનું આયોજન કરાયું હતું. સર છોટુરામ આઝાદી પહેલાંના ભારતના કદાવર જાટ નેતા હતા. શાહુકારો દ્વારા ખેડૂતોના શોષણને અટકાવવાના સંખ્યાબંધ કાયદા પાછળ તેમનું મોટું યોગદાન રહ્યું હતું. બિરેન્દરસિંહ સર છોટુરામના પૌત્ર અને ભાજપના સાંસદ છે. બિરેન્દરસિંહે જણાવ્યું હતું કે, હું દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે જોડાવા ઘણો આતુર છું.