Farmers Protest Row: શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને શનિવારે (31 ઓગસ્ટ, 2024) 200 દિવસ પૂરા થયા. વિવિધ માંગણીઓ માટે હજુ પણ ખેડૂતો ત્યાં એકઠા થયા છે. આ દરમિયાન રેસલર વિનેશ ફોગટ સવારે ત્યાં પહોંચી. અહીં ખેડૂતોએ વિનેશ ફોગટનું સન્માન કર્યું હતું. તેમણીએ પત્રકારોને કહ્યું કે, તેમને રાજકારણનું કોઈ જ્ઞાન નથી પરંતુ દરેક જગ્યાએ ખેડૂતો છે. તે અગાઉ પણ ખેતરોમાં કામ કરી ચૂકી છે.
વિનેશ ફોગાટના કહેવા પ્રમાણે, "દરેક વ્યક્તિ મજબૂરીમાં આંદોલન કરે છે. જ્યારે આંદોલન લાંબા સમય સુધી ચાલે છે, ત્યારે એક આશા ચોક્કસ જાગે છે. મને લાગે છે કે, જો દરેક કામકાજી લોકો આ રીતે મહિનાઓ સુધી રોડ પર બેસી રહેશે તો દેશ વિકાસ કેવી રીતે કરશે. સરકારે આ લોકોનું સાંભળવું જોઇએ. ખરા અર્થમાં ખેડૂતો દેશને ચલાવે છે. જો ખેડૂતો નથી તો અમે ખેલાડી પણ નથી કારણ કે ખેડૂતો વિના આપણે શું ખાઇશું. પોતાના અધિકાર માટે રસ્તા પર આવવું જોઈએ અને અવાજ ઉઠાવવો જોઇએ”.
ખેડૂતો 13 ફેબ્રુઆરીથી વિરોધ કરી રહ્યા છે
ઉલ્લેખનિય છે કે, ખેડૂતો અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ સાથે તમામ પાક માટે MSPની કાયદેસર ગેરંટીને લઈને 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે પોલીસે તેમની દિલ્હી કૂચ અટકાવી દીધી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં ખનૌરી, શંભુ અને રતનપુરા બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાના છે.
ખેડૂત નેતાએ કહ્યું, પીએમ જવાબ નથી આપી રહ્યા
અમૃતસર જિલ્લાના ખેડૂત નેતા બલદેવ સિંહ બગ્ગાએ જણાવ્યું હતું કે, સરકાર સાથે વાતચીત કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. પીએમ મોદીને ઘણી વખત પત્રો પણ લખવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળ્યો ન હતો. સરકાર ખેડૂતોનો અવાજ દબાવી રહી છે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ પંઢેરે ખેડૂતોને 31 ઓગસ્ટે શંભુ અને ખનૌરી પોઈન્ટ પર મોટી સંખ્યામાં એકત્ર થવાની અપીલ કરી છે.
'કંગના રનૌત સામે કાર્યવાહીની માંગ'
ખેડૂતોએ બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને કંગના રનૌત સામે કડક વલણ અપનાવવા અનુરોધ કર્યો છે, જેમની ભૂતકાળની ટિપ્પણીઓએ ખેડૂત સમુદાયમાં રોષ પ્રગટ કર્યો છે.