નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલનને 55 દિવસથી પણ વધુ સમય થઈ ગયો છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ખેડૂત સંગઠનોએ સરકાર દ્વારા બુધવારે આપવામાં આવેલા પ્રસ્તાવને નકારી દીધો છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, “સામાન્ય સભામાં સરકાર દ્વારા બુધવારે આપવામાં આવેલા પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો છે. ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને સંપૂર્ણ રદ્દ કરવા અને તમામ ખેડૂતો માટે બધા જ પાક પર લાભદાયક એમએસપી માટે એક કાયદો બનાવવાની માંગ આ આંદોલનની મુખ્ય માંગો તરીકે દર્શાવામાં આવી છે.”

ઉલ્લેખનીય કે, બુધવારે ખેડૂતો અને સરકાર વચ્ચે 10માં તબક્કાની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા સંગઠનો સામે નવા પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સરકારે કહ્યું હતું કે, અમે ત્રણ કૃષિ કાયદાને એફિડેવિટ બનાવીને સુપ્રીમ કોર્ટમાં આપીશું અને દોઢ બે વર્ષ સુધી તેના અમલ પર રોક લગાવીશું. એક કમિટી બનશે જે ત્રણેય કૃષિ કાયદા અને MSPનું ભવિષ્ય નક્કી કરશે. કમિટી આ કાયદા પર વિસ્તારથી ચર્ચા કરી સમાધાનનો રસ્તો નિકળશે.

આગામી બેઠક 22 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે થશે. આજે ખેડૂત સંગઠોની બેઠક મળી હતી તેમાં કિસાન યુનિયને સરકારના પ્રસ્તાવને નકારી દેવાનો નિર્ણય લીધો છે.