અભિનેત્રી કંગના રનૌતે શુક્રવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે પંજાબમાં 'ખેડૂતો' દ્વારા તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે લખ્યું કે જો પોલીસે તેને બચાવી ન હોત તો ખુલ્લેઆમ લિંચિંગ થઈ શક્યું હોત. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંગના હવે ત્યાંથી નીકળી ગઈ છે.



પંજાબના રોપડમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતના કાફલાને ઘેરી લીધો હતો. ખેડૂતોના આ પ્રદર્શનના કારણે ચંદીગઢ-ઉના હાઈવે પર  ટ્રાફિક હતો. કંગના રનૌત મનાલીથી ચંદીગઢ આવી રહી હતી. કંગનાને ચંદીગઢ એરપોર્ટ પરથી મુંબઈ માટે ફ્લાઈટ લેવાની છે.


કંગનાએ કહ્યું હતું, 'જો મારી સાથે સિક્યોરિટી ના હોત તો ખબર નહીં મારી સાથે શું થાત. આ અવિશ્વસનીય છે. આ કેવો વ્યવહાર છે. આટલી પોલીસ હોવા છતાંય મને જવા દેવામાં આવી નહોતી. બહુ બધા લોકો મારા નામ પર રાજકારણ રમી રહ્યાં છે. આ તેનું જ પરિણામ છે કે મારી ગાડી ભીડથી ઘેરાઈ ગઈ છે. જો અહીંયા પોલીસ ના હોત તો અહીંયા જાહેરમાં લિંચિંગ થયું હોત.'



રોપડમાં શ્રી કિરતપુર સાહિબના બુંગા સાહિબમાં ખેડૂતોએ કંગના રનૌતને ઘેરી હતી. કંગનાને ઘેરી વળેલા ખેડૂતો કંગના રનૌત પાસેથી ખેડૂતોની મહિલાઓની માફી માંગે તેવી માંગ કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ કહ્યું કે કંગનાએ અમારી મહિલાઓની માફી માંગવી જોઈએ, તો જ તેઓ તેને અહીંથી જવા દેશે. કંગના રનૌતને ઘેરી લેવાના સમાચાર મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસ કોઈક રીતે લોકોને સમજાવવામાં સફળ રહી અને કંગનાને બહાર લઈ ગઈ.


હકીકતમાં, ખેડૂતોના આંદોલન દરમિયાન, કંગના રનૌતે વૃદ્ધ મહિલા પ્રદર્શનકારીઓ વિશે કહ્યું હતું કે તેમને 100-100 રૂપિયામાં લાવવામાં આવે છે. વિરોધ કરી રહેલા ખેડૂતો કંગનાના નિવેદનથી નારાજ હતા. એટલા માટે તેઓ મહિલાઓની માફી માંગવાનું કહી રહ્યા હતા.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ખેડૂતો વચ્ચેથી નિકળ્યા બાદ અભિનેત્રી  કંગના રનૌતે કહ્યું કે, "જો અહીં પોલીસ ન હોત, તો અહીં ખુલ્લેઆમ લિંચિંગ થાત.  આ લોકોને શરમ આવવી જોઈએ"