પાર્ટીના સંયોજક અને રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનિવાલે શાહજહાંપુરમાં ખેડૂત રેલીને સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી. હનુમાન બેનિવાલ આ પહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા ત્રણ સંસદીય સમિતિઓમાં રાજીનામું આપી ચૂક્યા છે. બેનીવાલે કેન્દ્રના ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતો વિરુદ્ધ ગણાવ્યા છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “દેશના અન્નદાતાઓના સન્માનમાં આજે આરએલપીએ એનડીએમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ત્રણેય કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે.”
ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનનો શનિવારે 31મોં દિવસ હતો. ખેડૂતો નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. સરકારે આ નવા કૃષિ કાયદામાં મોટા સુધારા તરીકે રજૂ કર્યા છે, જેનો હેતુ ખેડૂતોને મદદ કરવાનો છે. જ્યારે પ્રદર્શનકારી ખેડૂતોને આશંકા છે કે, તેમાં મંડી અને એમએસપીની વ્યવસ્થા ખતમ થઈ જશે. જેનાથી મોટા કોર્પોરેટોની દયા પર નિર્ભર રહેવું પડશે.
નવા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ શનિવારે સરકાર સાથે ફરીથી વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો છે અને આગામી બેઠકના રાઉન્ડ માટે 29 ડિસેમ્બરની તારીખનો પ્રસ્તાવ આપ્યો છે.