શ્રીનગર: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રાથના સભામાં ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવા પર ફારુક અબ્દુલાને કાશ્મીરમાં વિરોધનો સામનો કરી રહેલા ફારુક અબ્દુલાએ મૌન તોડ્યું છે. તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, ગર્વથી ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ બોલીશ. ફારુકે કહ્યું કે, પહેલા બેરોજગારી, બીમારી, ભૂખમરાથી આઝાદી મેળવો. આ કામ નારેબાજીથી નહીં થાય. હું ડરનારાઓમાંથી નથી.
ફારુક અબ્દુલ્લાએ વિરોધ કરી રહેલા લોકોને આકરો જવાબ આપતા કહ્યું કે, હું આજ મિટ્ટીનો છું. હું ડરનારાઓમાંથી નથી. આપણે આ દેશનો એક ભાગ છીએ અને તેઓ ‘ભારત માતા કી જય’ બોલ્યા બાદ વિચારે છે કે તે ભારતનો ઈતિહાસ બદલી નાંખશે. તેમણે કહ્યું કે, તેઓ સમજે છે કે તેનાથી આઝાદી મળશે, પણ તેમને હું કહેવા માંગુ છું કે પહેલા બેરોજગારી, બીમારી, ભૂખમરાથી આઝાદી મેળવો. આ કામ નારેબાજીથી નહીં થાય.
તેમણે કહ્યું કે આ તે લોકો છે જે આ રાજ્યમાં જનતા વિરોધી છે અને અહીં શાંતિ અને અમન નથી ઈચ્છતા. ફારુકે કહ્યું, આપણે ઘાટીમાંથી ગરીબી, બેકારી, બીમારી દૂર કરવાની છે. છેલ્લા 30 વર્ષમાં આપણે ઘણા પાછળ થઈ ગયા છે. નફરતને છોડવાની જરૂર છે. આ દેશ હિંદુ, મુસ્લિમ, સિખ અને ઇસાઈ સહિત તે તમામનો છે જેઓ અહીં વસે છે.
ઉલ્લેખીય છે કે, અટલ બિહારી વાજપેયીની પ્રાથના સભામાં ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવા પર ફારુક અબ્દુલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લા વિરુદ્ધ ઈદની નમાજ દરમિયાન નારેબાજી કરવામાં આવી હતી અને તેમની સાથે ધક્કામુકી પણ કરવામાં આવી અને જૂતાં દેખાડવામાં આવ્યા હતા.