નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર રાફેલ ડીલને લઈ પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં તેમનો સાથ આપવા પાર્ટીના લગભગ તમામ નેતા આ ક્રમને જાળવી રાખવા માંગે છે. પરંતુ કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલને આ મુદ્દે બોલવું ભારે પડ્યું છે. શેરગિલ અતિ ઉત્સાહમાં એવું બોલી ગયા કે જેના કારણે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેનાથી નારાજ થઈ ગઈ અને નિવેદનબાજીથી દૂર રહેવા માટે ચેતવણી આપી દીધી છે.


અનિલ અંબાણીની કંપની રિલાયન્સે જયવીર શેરગિલને કાનૂની નોટિસ મોકલીને ચૂપ રહેવાની ચેતવણી આપી છે. કંપનીએ કડક શબ્દોમાં કહ્યું છે કે શેરગિલ પાસે પુરાવા હોય તો જ બોલે. નહીંતર તેમણે આ માટે દંડ ચૂકવવો પડશે.

રિલાયન્સની ચેતવણીનો જવાબ આપતાં કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે, તે આવી નોટિસથી ડરવાના નથી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખીને તેના પર લગાવવામાં આવેલા આરોપનો જવાબ માંગ્યો હતો.

અનિલ અંબાણીએ તેના પત્રમાં લખ્યું હતું કે, કેટલાક હિતશત્રુઓ અને કોર્પોરેટ હરિફોએ કોંગ્રેસને ખોટી જાણકારી આપી ગુમરાહ કરવાની કોશિશ કરી છે. અનિલ અંબાણીએ તમામ આરોપ ખોટા અને નિરાધાર હોવાનું કહ્યું હતું.

અનિલ અંબાણી પહેલાં પણ કહી ચુક્યા છે કે રક્ષા મંત્રાલયે રિલાયન્સ ગ્રુપની કંપનીને 36 રાફેલ વિમાનોનો કોન્ટ્રાક્ટ નથી આપ્યો. રિલાયન્સને હજારો કરોડો રૂપિયાનો ફાયદો થઈ જવા રહ્યો હોવાની વાત માત્ર અફવા છે. અમારો ભારત સરકાર સાથે કોઈ પણ કોન્ટ્રાક્ટ નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે કે 2015માં રાફેલ ડીલની જાહેરાત બાદ દસ દિવસ પહેલા જ રિલાયન્સ ડિફેન્સ અસ્તિત્વમાં આવી હતી.