નવી દિલ્હી: દેશના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર આજથી ફાસ્ટેગ ફરજિયાત થઈ ગયું છે. જો કે, હજુ 30 દિવસ સુધી નિયમમાં થોડી રાહત આપવામાં આવી છે. ટોલ પ્લાઝા પર ટ્રાફિકને જોતા ફાસ્ટેગની મહત્તમ 25 ટકા લેનને હાઈબ્રિડ રાખવામાં આવશે. આ હાઈબ્રિડ લેનમાં 15 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની સાથે સાથે કેશથી પણ પેમેન્ટ કરી શકાશે.

કેન્દ્ર સરકારે અત્યાર સુધી તમામ વાહનો પર આરએફઆઈડી આધારિત ફાસ્ટેગ જારી ન થઈ શકવાના કારણે થોડી રાહત આપી છે. હાલમાં ટોલ પ્લાઝા પર 75 ટકા ટોલ લેન પર જ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન દ્વારા ફાસ્ટેગથી ચાર્જ કાપવામાં આવશે. આ પહેલા 1 ડિસેમ્બર 2019થી ફાસ્ટેગનો ઉપયોગ કરવાની સરકારની યોજના હતી પરંતુ તેની તારીખ લંબાવીને 15 ડિસેમ્બર 2019 કરવામાં આવી હતી.


નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જે વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય, તેમણે ફાસ્ટેગ વાહનો માટે બનાવેલી લાઈનમાંથી પસાર થાય તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે. જોકે, ટોલ પ્લાઝા પર એક લાઈન એવી પણ હશે, જ્યાં ફાસ્ટેગ સ્ટીકર વગરના વાહનો પસાર થઈ શકશે, જ્યાં સામાન્ય ટોલ ટેક્સ જ વસુલવામાં આવશે.

ફાસ્ટેગ વાહનો પર એક ઈલેક્ટ્રોનિક રીતે વાંચી શકાય તેવું ટેગ લગાવવામાં આવે છે. ત્યારબાદ વાહન જ્યારે ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે, તો ત્યાં લગાવેલું મશીન તે ટેગ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે ટેક્સ વસુલ કરી લે છે. આ પ્રથાથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઉભા રહી ચુકવણી નહી કરવી પડે.

ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ?

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા, SBI, HDFC, ICICI સહિત અન્ય બેંક, ઓનલાઈન, પ્લેટફોર્મ, પેટીએમ, એમેઝોન ડોટ કોમ. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ ખરીદવા માટે આ દસ્તાવેજ જોઈશે

- ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- ગાડીનો માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ગાડીના માલિકના નો યોર કસ્ટમર (કેવાઈસી) ડોક્યુમેન્ટ. જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ
- ફાસ્ટટેગ ખરીદતા સમયે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી પડશે