નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર  થઇ રહેલા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું કે, પાકિસ્તાનથી કોઇ મુસ્લિમ આવે છે તો તેને પણ નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ માટે કાયદામાં જોગવાઇઓ છે. રાજનાથ સિંહે કહ્યું કે, સરકારે છેલ્લા  પાંચ-છ વર્ષોમાં આવા 600 પાકિસ્તાનીઓને નાગરિકતા આપી છે. રાજનાથ સિંહે સીએએના વિરોધ પાછળ કોઇ વિદેશી તાકાત હોવાની શંકા વ્યક્ત કરી હતી. જંગપુરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે અમે હિંદુ-મુસ્લિમના આધાર પર રાજનીતિ કરનારા લોકો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઇસ્લામી દેશ છે. પરંતુ ભારત હિંદુ દેશ નથી. ભારત ધર્મનિરપેક્ષ, સેક્યુલર દેશ છે. અહી કોઇનું ધાર્મિક ઉત્પીડન થઇ શકે નહીં. પાકિસ્તાનમાં બિન ઇસ્લામિક લોકો સાથે ધાર્મિક ઉત્પીડન થઇ શકે છે એટલા માટે અમે આ કાયદો બનાવવાની જરૂર પડી છે. હિંદુ, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને  પારસી એ તમામનું ધાર્મિક ઉત્પીડન થયું હોય તો ભારતમાં આવી શકે છે તેઓને નાગરિકતા આપવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, જ્યાં સુધી મુસ્લિમોનો પ્રશ્ન છે. જો કોઇ મુસ્લિમ પાકિસ્તાનથી આવવા માંગે છે, ભારતમાં રહેવા માંગે છે  તો આપણા સિટિઝનશીપ એક્ટમાં આ પ્રોવિઝન છે કે તે અહીની નાગરિકતા મેળવી શકે છે. આપણા એવા 600 મુસ્લિમ ભાઇઓ જે પાકિસ્તાનથી આવ્યા છે તેઓને અમે છેલ્લા પાંચ-છ વર્ષમાં નાગરિકતા આપી છે. તેમ છતાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.