નવી દિલ્હી: જામિયામાં થયેલી ફાયરિંગની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે આ પ્રકારની કોઈ પણ ઘટનાને સાખી નહીં લેવાઈ. ગૃહમંત્રીએ કહ્યું કે આ મામલે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત થઈ છે. દોષિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમિત શાહે ટ્વીટ કર્યું કે, ‘આજે દિલ્હીમાં જે ફાયરિંગની ઘટના બની છે. તેના પર મે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે અને તેની સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઈ પણ ઘટનાને સાખી નહીં લે. તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે અને દોષિને છોડવામાં નહીં આવે.’

બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે અમિત શાહને આઝાદી બાદથી અત્યાર સુધીના સૌથી ખરાબ ગૃહમંત્રી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારથી અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે. ત્યારથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ભાજપ એક સુનિયોજિત કાવતરાથી હારના ડરથી માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ પર સવાલ ઉઠાવતા સંજયસિંહે કહ્યું કે પોલીસ ત્યાં શું કરી રહી હતી. અમિત શાહે પોલીસના હાથ બાંધી દીધા છે. શાહ દિલ્હીની ચૂંટણીમાં હારના ડરથી ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કરી દીધું છે. જામિયા વિસ્તાર પાસે એક યુવકે ફાયરિંગ કર્યું હતું જેમા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે. હુમલાખોરની ઓળખ ગોપાલ તરીકે થઇ છે. સાથે જ પોતાને રામભક્ત બતાવી રહ્યો છે. પોલીસ હુમલાખોરના દાવાની સત્યતા ચકાસી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે.