Finance Commission: કેન્દ્રની મોદી સરકારે 16મા નાણા પંચની જાહેરાત કરી હતી. નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાને નાણા પંચના અધ્યક્ષ અને ઋત્વિક રંજનમ પાંડેને સચિવ બનાવાયા છે. તો પંચના અન્ય બે સભ્યના નામ પછીથી જાહેર કરવામાં આવશે. આ નાણા પંચના સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર-2025 સુધીનો અથવા રિપોર્ટ રજૂ કરવા સુધીનો રહેશે.






કેન્દ્ર સરકાર દ્વારા નવરચિત 16મું નાણા પંચ સંઘ અને રાજ્યો વચ્ચે કર વહેંચણી, મહેસૂલ અનુદાન, રાજ્યના નાણા પંચની ભલામણો બાદ ત્યાંની પંચાયતો અને નગરપાલિકાઓમાં સંસાધનો પૂરા પાડવા અને રાજ્યનું ભંડોળ વધારવા માટે જરૂરી ઉપાયોમાં ભલામણ રજૂ કરશે. 16મું નાણા પંચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 હેઠળ ફંડ વિતરણનો પણ નિર્ણય કરશે.  16મા નાણા પંચને નિર્દેશ કરાયો છે કે, તેઓ 31 ઓક્ટોબર-2025 સુધીમાં ભલામણો રજૂ કરે, જેથી તેને એક એપ્રિલ-2026થી 5 વર્ષ સુધી લાગુ કરી શકાય. 27 નવેમ્બર-2017ના રોજ 15મા નાણા પંચની રચના કરાઈ હતી. 15મા નાણા પંચે પોતાના વચગાળાના અને અંતિમ રિપોર્ટમાં 1 એપ્રિલ-2020થી શરૂ થનારા 6 વર્ષના સમયગાળા માટેની ભલામણો રજૂ કરી હતી. 15મા નાણા પંચની ભલામણો નાણાકીય વર્ષ 2025-26 સુધી લાગુ રહેશે.


અરવિંદ પનગઢિયાને માર્ચ 2012માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. તેઓ વિશ્વ બેંક, IMF જેવી વિશ્વ કક્ષાની સંસ્થાઓમાં ઘણા હોદ્દા પર રહ્યા છે. પ્રોફેસર અરવિંદ પનગઢિયા ભારતીય અર્થતંત્રના અગ્રણી નિષ્ણાત તરીકે જાણીતા છે. તેઓ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરવિંદ પનગઢિયાને નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બે વર્ષ પછી તેમણે આ પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. જે પછી તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવવા પાછા ગયા હતા.  જાન્યુઆરી 2015 થી ઓગસ્ટ 2017 સુધી અરવિંદ પનગઢિયાએ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વર્ષોથી તેમણે ભારતના G20 શેરપા તરીકે પણ સેવા આપી છે. 1978 થી 2003 સુધી તેઓ કોલેજ પાર્ક ખાતે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ ખાતે અર્થશાસ્ત્ર વિભાગના ફેકલ્ટીમાં હતા.