નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી દેશની અર્થવ્યવસ્થાને થયેલ નુકસાનને લઈને નાણામંત્રી સીતારમણે આજે રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હવે દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. દેશમાં આ વખતે જીએસટીનું કલેક્શન દસ ટકા વધ્યું છે. સાથે જ નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં હવે રોકાણ પણ વધી રહ્યું છે.


નાણામંત્રીએ કહ્યું કે, મૂડીઝે દેશની જીડીપીમાં સુધારાની વાત કહી છે. હવે મૂડીઝે દેશનો જીડીપી 8.9 ટકા સુધી રહેવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, હવે વિદેશી ચલમણાં વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવ્યો છે. કોરોના વાયરસના એક્ટિવ કેસ 10 લાખથી ઘટીને 4.89 લાખ થયા છે. કોરોના વાયરસથી મૃત્યુ દર પણ ઘટીને 1.47 ટકા થઈ ગયા છે.

નિર્મલા સીતારમણે આગળ કહ્યું કે, “આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં ત્રીજા ક્વાર્ટરમાં સકારાત્મક ગ્રોથની ભવિષ્યવાણી કરી છે, પહેલા આશા હતી કે આ ગ્રોથ ચોથા ક્વાર્ટરમાં થશે. હવે દેશની બેંકોનો ક્રેડિટ ગ્રોથ પણ વધી રહ્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે, “આત્મનિર્ભર ભારત અંતર્ગત સરકારે નક્કી કર્યું હતું કે દેશમાં ધન અને અન્ની કોઈ ખોટ નહીં રહે. આ મામલે નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, ‘એક દેશ એક બજાર’ની જેમ જ ‘એક દેશ એક રાશન કાર્ડ’ની દિશામાં આગળ વધીશું. સરકારે પહેલા જ રાજ્યોને એક દેશ એક રાશન કાર્ડ લાગુ કરવા કહ્યું હતું. હવે 18 રાજ્યોમાં આ સુવિધાને લાગુ કરવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડને લઈને નાણામંત્રીએ કહ્યું, “અત્યાર સુધી એક કરોડ 83 લાખ 14 હજારથી વધારે અરજી મળી છે. તેમાં બેંકોએ એક કરોડ 57 લાખ 44 હજારથી વધારે કિસાન ક્રેડિટ કાર્ડને યોગ્ય ગણાવ્યા છે. અને કુલ મળીને એક લાખ 43 હજાર 262 કરોડ રૂપિયા બે તબક્કામાં ખેડૂતોને આપવામાં આવ્યા છે.