નવી દિલ્લીઃ કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે પત્રકાર પરિષદમાં કોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ રૂપિયાની લોન ગેરન્ટી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની લોન ગેરન્ટ અપાશે. જ્યારે 60 હજાર  કરોડ રૂપિયા અન્ય સેક્ટરોને અપાઇ રહ્યા છે. 


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, અમે 8 આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી રહ્યા છીએ. જેમાંથી 4 બિલકુલ નવા છે અને એક ખાસ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. કોવિડ પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરન્ટી યોજના અને આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાના પેકેજ તેમજ અન્ય ક્ષેત્ર માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 100 કરોડ સુધીની લોન 7.95 ટકાના વ્યાજ દરે અપાશે. જ્યારે અન્ય ક્ષેત્રો માટે 8.25 ટકાથી વધુ વ્યાજ નહીં હોય.





તેમણે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , 3 વર્ષ માટે ક્રેડિટ ગેરન્ટી યોજના છે. નાના ઉધારદાતાઓને લોનની સુવિધા અપાશે. ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ નાના ઉદ્યોગકારો, ઇન્ડિવિજ્યુઅલ NBFC, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂથી 1.25 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. તેનો મુખ્ય હેતુ નવી લોન વિતરણ કરવાનો છે. જોકે, આના પર બેંકના MCLR પર વધુમાં વધુ 2 ટકા વ્યાજ ઉમેરી શકાશે. આ લોનનો સમયગાળો 3 વર્ષનો હશે અને સરકાર ગેરન્ટ આપશે.  11 હજાર ટુરિસ્ટ ગાઇડને મદદ મળશે. પહેલા 5 લાખ પર્યટકોને વિઝા ફી નહીં આપવી પડે. આ સ્કીમ અંતર્ગત 100 કરોડ રૂપિયાની નાણાકીય મદદ મળશે અને આ એક ટુરિસ્ટને ફક્ત એકવાર સ્કીમનો લાભ મળી શકશે. 


નાણા મંત્રીએ પર્યટન ક્ષેત્રને રાહત દેવા માટેના ઉપાયોની જાહેરાત કરી હતી. ટ્રાવેલ એજન્સીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન, પર્યટક ગાઇડને એક લાખ સુધીની લોન મળશે. આ યોજનાનો લાભ લગભગ 25 લાખ લોકોને મળશે. આ સાથે જ 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારની લોન લેનારા આના માટે લાયક ગણાશે. 


તેમણે કહ્યું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી ચાલું રહેશે. તેમણે કહ્યું કે, દેશના ખુણે ખુણે લોકોને અન્ન પહોંચાડવાની કોશિષ કરાઈ રહી છે.