Amravati: અમરાવતીમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા વિરુદ્ધ નવો કેસ નોંધવામાં આવ્યો છે. અમરાવતીમાં રોડ બ્લોક કરવા બદલ નવનીત રાણા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર તે ગઈ કાલે અમરાવતી પહોંચ્યા  હતા. તેમની સામે રોડ પર સ્ટેજ બનાવી મોડી રાત્રે લાઉડ સ્પીકર વગાડવાની ફરિયાદ થઈ છે. નવનીત રાણાના 14 સમર્થકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.


23 એપ્રિલે કરવામાં આવી હતી ધરપકડ 
આ પહેલા નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા શનિવારે દિલ્હીથી નાગપુર પહોંચ્યા હતા અને સ્થાનિક મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મુંબઈના બાંદ્રા ખાતેના નિવાસસ્થાન 'માતોશ્રી'ની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેવી જાહેરાત કર્યા પછી 23 એપ્રિલે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.


4 મેં ના રોજ મળ્યા હતા જામીન 
મુંબઈની વિશેષ કોર્ટે  4 મેના રોજ રાણા દંપત્તિને જામીન આપ્યા હતા. અમરાવતીના લોકસભા સાંસદ નવનીત રાણાએ અહીં પત્રકારોને જણાવ્યું, “અમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને આરતી કરી. સંઘર્ષ છતાં અમે રાજ્ય પર શનિની સાડાસાતી દૂર થાય તે માટે પ્રાર્થના કરવા અહીં પહોંચ્યા. અમે બેરોજગારોને નોકરી મળે તે માટે પ્રાર્થના પણ કરી.”


લોકસભાની સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને DGPને સમન્સ પાઠવ્યા
નવનીત રાણા કેસમાં લોકસભાની વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવને સમન્સ પાઠવ્યા છે. કમિટીએ તેમને 15 જૂને હાજર થવા માટે કહ્યું છે. વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના DGP રજનીશ સેઠ, મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે અને ભાયખલા જેલના અધિક્ષક યશવંત ભાનુદાસને પણ સમન્સ પાઠવ્યા છે.


તાજેતરમાં નવનીત રાણાએ આ તમામ લોકોના નામ વિશેષાધિકાર કમિટીની સામે લીધા હતા. તેણે દરેક પર ગેરવર્તન કરવાનો અને તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ બેઠક દરમિયાન નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉતનું નામ પણ લીધું હતું.