જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સવારે 9.35 કલાકે પાકિસ્તાન તરફથી બીએસએફની બોબિયા પોસ્ટ પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું. ભારતે તેનો જબડાતોડ જવાબ આપ્યો. જોકે, બીએસએફના એક જવાન ગુરુનામ સિંહ ઘાયલ થઈ ગયા. બીએસએફની જવાબી ગોળીબારીમાં પાકિસ્તાન રેન્જર્સનો એક જવાન પણ ઠાર મરાયો છે.
પાછલા બે દિવસમાં પાકિસ્તાન તરફથી આ સમગ્ર વિસ્તારમાં અનેક વખત ગોળીબારી કરવામાં આવી છે. પાક રેન્જર્સ આતંકવાદી ઘૂસણખોરી માટે આ રીતે ગોળીબારી કરતા હોય છે. ગુપ્તચર વિભાગે ગઈકાલે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીને લઈને એલર્ટ આપ્યું હતું.
સૂત્રો અનુસાર, જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાંથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પાર પાકિસ્તાનમાં આવેલ લોન્ચિંગ પેડની આસપાસ આતંકવાદીઓની હલચલને બીએસએફે નોટિસ કરી છે. બીએસએફે તેને લઈને ગૃહ મંત્રાલયને અહેવાલ સોંપ્યો છે.