નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પૂર અને અવિરત વરસાદ યથાવત છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 114 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર કેરળમાં 42 અને કર્ણાટકમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં કેટલકા જિલ્લાઓ વરસાદના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરની સ્થિતિ એવી છે કે જે રસ્તાઓ પર વાહનો ચાલતા હતા ત્યાં આજે બોટ ચાલી રહી છે. જો કે સાંગલી અને કોલ્હાપૂરમાં પૂરના પાણી ઓસરી  રહ્યાં છે.


કેરળમાં મૂશળધાર વરસાદનો કહેર હાલ પણ યથાવાત છે. પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધી ઘટનાઓથી મૃતકોની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. જ્યારે એક લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે. રાજ્યના 988 રાહત શિબિરોમાં 1,07,699 લોકોને સુરક્ષિત પહોંચાડવામં આવ્યા છે. વાયનાડથી સૌથી વધુ 24,990 લોકોએ આ શિબિરોમાં આશ્રય લીધો છે. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.

કર્ણાટકમાં પણ પૂરની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. રાજ્યમાં મોટભાગની નદીઓ ઉફાન પર છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં નેત્રવતી નદી ઉફાન પર આવતા પાણે મંગલુરુ ગામ જળમગ્ન થઈ ગયું છે. જિલ્લાના બંટવાલમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જનાર્દન પુજારીનું મકાન પણ સામેલ છે. જો કે જનાર્દનના પરિવારના સભ્યોને બચાવી લીધા છે. કર્ણટક સરકારે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી 6000 કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવ્યું છે. કર્ણાટકમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કેન્દ્ર સરકાર પાસે સહાય માંગી છે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં શનિવારે પૂરથી થોડી રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યાં છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ, નૌસેના, તટરક્ષક દળની ટીમ કામ કરી રહી છે. શુક્રવાર સુધી પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. ભીષણ પૂરની ચપેટમાં આવેલા કોલ્હાપુર, સાંગલી, સતારા,પૂણે અને શોલાપુર જિલ્લામાંથી 2.85 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યુ હતું. વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં 19 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. વરસાદના કારણે બનેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં અમદાવાદમાં ચાર, નડીયાદમાં ચાર, મોરબીમાં આઠ, નિઝર, કલોલ, અમરેલીમાં એક-એકના મોત થયા હતા.