નવી દિલ્હીઃઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લસિમીન  (એઆઇએમઆઇએમ) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે એનઆરસી અને સીએએના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદના દારસ્સલામમાં આયોજીત આ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પ્રદર્શનમાં ઓવૈસીએ લોકોને કહ્યું કે- જો તે એનઆરસી અને સીએએ વિરુદ્ધમાં છે તો પોતાના ઘરની બહાર દેશનો તિરંગો લહેરાવે. જેનાથી ભાજપને એક સંદેશ જશે કે તેમણે એક ખોટો અને બ્લેક કાયદો બનાવ્યો છે. ઓવૈસીએ આ રેલીમાં જ ભારતીય બંધારણની પ્રસ્તાવના વાંચી અને લોકોએ પણ તેને વાંચી હતી.


એનઆરસી અને સીએએ વિરુદ્ધ હિંસક પ્રદર્શનોને ખોટા ગણાવતા ઓવૈસીએ કહ્યુ કે, હિંસા કોઇ પણ ભોગે થવી જોઇએ નહીં. કોઇ તમને છેડે તો પણ થવી જોઇએ નહીં. હિંસા થઇ તો કિસ્સો ખત્મ થઇ જશે. આ પ્રદર્શન ઓછામાં ઓછું છ મહિના સુધી ચાલવું જોઇએ. એ માટે જરૂરી છે કે માહોલ શાંતિપૂર્ણ રહે. આપણે લોકતાંત્રિક રીતે વિરોધ કરવાનો છે.