સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લૂ લાગવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. શનિવારે રાજસ્થાનના ચુરુ અને શ્રીગંગાનગર સૌથી વધુ તપી રહ્યા છે, જ્યાં પારો 47 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. જ્યારે દિલ્હીમાં ગરમી એટલી તીવ્ર હતી કે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ગરમ હવા ચાલવાથી પાલમ અને લોધી રોડ વિસ્તારમાં તીવ્ર ગરમી અનુભવાઈ હતી. અહીં મહત્તમ તાપમાન ક્રમશઃ 45.4 અને 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. આગામી સપ્તાહમાં પણ અહીં મહત્તમ તાપમાન 43-45 ડિગ્રી વચ્ચે રહી શકે છે.

મે મહિનામાં ભારતના અનેક ભાગમાં ચોમાસા પહેલાંનો વરસાદ થયો છે. જેના કારણે હજી સુધી લૂ લાગવાની શરૂઆત થઈ નહોતી. પરંતુ હવે પારો વધવાની સાથે જ લૂનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તાપમાન ઘણું વધી ગયું છે. રાજસ્થાનના 3 શહેરોમાં પારો 46 ડિગ્રીને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશના 10 શહેરો હીટવેવની ઝપેટમાં આવી ગયા હતા. આ શહેરોમાં પાંચ એકલા રાજસ્થાનના જ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના બે-બે શહેર અને ઉત્તર પ્રદેશના એક શહેરનો સમાવેશ થાય છે. બીજીબાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત ખાસ કરીને રાજસ્થાનમાં ગરમીથી રાહતની કોઈ આશા નથી.