યૂક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. લાવરોવ ચીનમાં અફઘાનિસ્તાન મુદ્દે યોજાયેલી બેઠકમાં ભાગ લીધા બાદ ભારત પહોંચ્યા છે. તેમની મુલાકાત 24 કલાકથી પણ ઓછી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે લાવરોવની પીએમ મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે આવતીકાલે એટલે કે 1 એપ્રિલે મુલાકાત થવાની છે.
મંત્રણાના મુદ્દાઓમાં યુક્રેનની વર્તમાન સ્થિતિનો વિષય મહત્વપૂર્ણ રહેશે. ભારત રશિયાના વિદેશ મંત્રી પાસેથી સીધું જાણવા માંગે છે કે આ શાંતિ વાટાઘાટોમાં શું સ્થિતિ છે અને તેના ઉકેલ માટે રશિયા દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રુશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી બંને વિદેશ પ્રધાનો વચ્ચે આ પ્રથમ સામ-સામે મુલાકાત થઈ રહી છે. આ વાતચીત દરમિયાન, ભારત તરફથી એ વાત ફરી રિપીટ કરવામાં આવી શકે છે કે ભારત શાંતિપૂર્ણ વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા મુદ્દાઓને ઉકેલવાના પક્ષમાં છે. ભારત આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવતું રહ્યું છે.
ભારત રશિયા સાથે સૈન્ય હથિયારોની ખરીદી સહિત અન્ય પ્રોજેક્ટ માટે ચૂકવણીની વ્યવસ્થા પર પણ સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરશે. રશિયા સાથે રૂપિયા-રુબલ વેપારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, પરંતુ તે માત્ર મર્યાદિત સંખ્યામાં ઉત્પાદનો અને આયાત સુધી મર્યાદિત છે. પરંતુ રશિયા સામેના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વ્યાપક કારોબાર ચાલુ રાખવો અને રશિયાના ફાર ઈસ્ટ વિસ્તારમાં ભારતીય રોકાણ ચાલુ રાખવું મુશ્કેલ છે.
ભારત માટે મહત્વનું છે કે યુક્રેન સંકટ સમયે બ્રિટિશ વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રુસ અને વિરુદ્ધ પક્ષે ઉભા રહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ એકસાથે ભારતમાં હશે. ટ્રુસની મુલાકાતનો પ્રયાસ યુક્રેનના મુદ્દે ભારત પશ્ચિમી દેશોના ગ્રુપ સાથે ઉભા રહેવા અને પ્રાદેશિક સાર્વભૌમત્વના મુદ્દે રશિયા સામે ખુલ્લેઆમ બોલવા વિનંતી કરવાનો પ્રયાસ હશે.