નવી દિલ્હી: સીબીઆઈ વિવાદ બાદ વચગાળાના સીબીઆઇના ચીફ બનાવવામાં આવેલા નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના મામલે કોર્ટે સજા સંભળાવી હતી. કોર્ટની અવમાનના મામલે નાગેશ્વર રાવને કોર્ટ દિવસભર કાર્ટની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી કોર્ટના એક ખૂણામાં બેસી રહેવાની સજા આપી હતી. સાથે એક લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. બિહારના મુજફ્ફરપર શેલ્ટર હોમ કેસની તપાસ કરી રહેલા જોઈન્ટ ડાયરેક્ટરના ટ્રાન્સફરથી નારાજ સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.

ગત વર્ષે 31 ઓક્ટોબરે અને 28 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મુજફ્ફરપુરના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે થયેલા શોષણની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમને બદલવામાં ન આવે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તપાસનું મોનિટરિંગ કરી રહેલા સંયુક્ત ડાયરેક્ટર અરુણ કુમાર શર્માને પરવાનગી વગર હટાવવામાં ન આવે.પરંતુ 18 જાન્યુઆરીએ શર્માની સીઆરપીએફમાં બદલી કરી દેવામાં આવી. સીબીઆઈએ ના તો સરકારને કોર્ટના આદેશની જાણકારી આપી, ના બદલી કરતા પહેલા કોર્ટની મંજૂરી લીધી. આ વાતને લઇને નારાજ કોર્ટે એમ નાગેશ્વર રાવ અને એસ બાસુરને હાજર થવા કહ્યું હતું.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી તે દરમિયાન એટોર્ની જનરલે બન્ને અધિકારીનું માફીનામું કોર્ટમાં આપ્યું. અને કહ્યું હતું કે નાગેશ્વર રાવનો ઇરાદો કોર્ટના આદેશની અવમાનના કરવાનો નહતો. તેમને કાનૂની સલાહ મળી હતી કે કોર્ટની મંજૂરી બાદમાં પણ લઈ શકાય છે. જેના કારણે ભૂલ થઇ ગઈ. તેમને માફ કરવામાં આવે.

આ મામલે કોર્ટે કડક વલણ અપનાવતા બન્ને અધિકારીઓ તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે રજૂ કરેલું માફીનામું પણ સ્વીકાર્યુ નહતુ. અને અસહમતિ જતાવવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “ફાઇલો પરથી સ્પષ્ટ ખબર પડે છે વચગાળાના નિદેશક કોર્ટના આદેશ જાણતા હતા, તેમણે બદલીની મંજૂરી આપતા પહેલા કૉર્ટેને વિશ્વાસમાં લેવું જોઈતું હતું. બાદમાં મંજૂરીનો શું મતલબ છે ? આ બાદ પણ બે સપ્તાહ બાદ આવ્યો.” ચીફ જસ્ટિસે કહ્યું કે, “ કૉર્ટનું સન્માન જાળવવું મારી જવાબદારી છે. 20 વર્ષ જજ રહેતા મે ક્યારેય કોઇને અવમાનનાની સજા નથી આપી. પરંતુ આ મામલે આવું નહીં થાય”

ચીફ જસ્ટિસે કહ્યું “અમે તમારુ માફીનામું સ્વીકાર્યું નથી, ખોટી કાનૂની સલાહની દલીલમાં દમ નથી. અમે તમને 30 દિવસ માટે જેલમાં પણ મોકલી શકીએ છે. હવે તમે માફી માંગવાની જગ્યાએ શું સજા આપીએ તે જણાવો. અમે એટલા માટે પૂછી રહ્યા છે કે કાયદામાં આ પ્રક્રિયા છે. ”

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મામલે સ્પષ્ટ રીતે કોર્ટની અવગણના થઇ છે. અમે નાગેશ્વર રાવ અને બાસુરન પર એક-એક લાખ રૂપિયા દંડ ફટકારીએ છે અને આજની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી બન્ને એક ખૂણાંમાં જઈને બેસે. આજની કાર્યવાહી સુધી પૂર્ણ થાઇ ત્યાં સુધી ત્યાંજ બેસી રહે. 4 વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચાલી હતી તેના બાદ બન્ને અધિકારી કોર્ટની બહાર નીકળ્યા હતા.