નવી દિલ્હીઃ છત્તીસગઢના  પૂર્વ મુખ્યમંત્રી અને જનતા કોગ્રેસ છત્તીસગઢ (જે)ના વડા અજીત જોગીની તબિયત બગડતા તેમને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અજીત જોગીના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગીએ કહ્યું કે, શનિવારે બપોરે અજીત જોગી નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. બાદમાં  તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અમિત જોગીએ કહ્યુ કે, અજીત જોગીની હાલત ગંભીર છે.



અમિત જોગીએ કહ્યું કે , હોસ્પિટલમાં અજીત જોગીની પત્ની  અને કોટા ક્ષેત્રથી ધારાસભ્ય રેણુ જોગી અને અન્ય લોકો સામેલ છે. ઘટના દરમિયાન તે બિલાસપુરમાં હતા. ઘટનાની જાણ થતાં તે રાયપુર માટે  રવાના થયા હતા.

ભારતીય વહીવટી સેવામાંથી રાજનીતિમાં આવેલા અજીત જોગી વર્તમાનમાં મારવાડી ક્ષેત્રથી ધારાસભ્ય છે. તે 2000માં છત્તીસગઢ રાજ્ય નિર્માણ દરમિયાન તે અગાઉ મુખ્યમંત્રી બન્યા અને 2003 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. રાજ્યમાં 2003માં વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં કોગ્રેસ ભાજપ સામે હારી ગઇ હતી.  રાજ્યમાં કોગ્રેસના નેતાઓ સાથે મતભેદ હોવાના કારણે જોગીએ વર્ષ 2016માં નવી પાર્ટી જનતા કોગ્રેસ છત્તીસગઢ (જે)ની રચના  કરી હતી અને તે પાર્ટીના વડા છે.