નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પંચતત્વોમાં વિલીન થઇ ગયા છે. સુષ્મા સ્વરાજને પુરેપુરા રાજકીય સન્માન સાથે લોધી રોડ ખાતેના સ્મશાન ગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. પુત્રી બાંસુરી સ્વરાજે બધી અંતિમ વિધી પુરી કરી હતી. દેશભરમાંથી દિગ્ગજ નેતાઓએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી હતી.

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીએ અંતિમ સસ્કારની બધી પ્રક્રિયા પુરી કરી હતી, તેની સાથે સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર રહ્યાં હતા.


સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મોટા નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતા.


ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. ઉપરાંત મનીષ સિસોદિયા, શરદ યાદવ, અશોક ગેહલોત, બિપ્લવ દેવ, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયુ ગયુ છે. મંગળવારે રાત્રે 9 વાગે હાર્ટ એટેકનો હુમલો આવવાથી એઇમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, બાદમાં ડૉક્ટર્સ તેમને બચાવી શક્યા ન હતા. હાલ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે, દેશભરમાંથી નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળમાં પોતાના મંત્રીમંડળના સહયોગી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજના નશ્વર દેહને જોઈ ખૂબ જ ભાવુક થયા હતાં. સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવેલા ઘરે નશ્વર દેહની સામે હાથ જોડી વડાપ્રધાનની આંખો જાણે આસુંથી ભરાય ગઈ હતી. તેઓ પોતાની પાર્ટીના ખૂબ જ તેજ અને લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપતાં ખૂબ જ ભાવુક જોવા મળ્યાં હતાં.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

ખાસ વાત છે કે આ વર્ષે જ તેમણે લોકસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હતો. સુષમા સ્વરાજ એપ્રિલ 1990માં સાંસદ બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની તેર દિવસની સરકારમાં સુષ્મા સ્વરાજ સૂચના પ્રસારણ મંત્રી રહ્યા હતા. ઓક્ટોબર 1998માં તેમણે કેંદ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.