નવી દિલ્હીઃ અમેરિકાએ સોમવારે કહ્યું કે, તે ભારત સરકાદર દ્વારા આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાથે જ તેણે તમામ પક્ષોને એલઓસી પર શાંતી અને સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરી. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે પાકિસ્તાનું નામ લીધા વગર કહ્યું, અમે એલઓસી પર તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા રાખવા અપીલ કરીએ છીએ.


જમ્મુ કાશ્મીરને સ્પેશયલ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાના સંબંધમાં પૂછવા પર તેમણે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે જમ્મુ કાશ્મીરના બંધારણીય દરજ્જામાં ફેરફારની ભારતની જાહેરાત અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાની યોજનાને ધ્યાનમાં લીધી છે.

પ્રવકતાએ કહ્યું કે ભારતે જમ્મુ કાશ્મીરમાં કાર્યવાહીને સંપૂર્ણપણે આતંરિક મામલો ગણાવ્યો છે. જો કે આ દરમ્યાન તેમણે જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી. પ્રવક્તાએ કહ્યું કે અમે (જમ્મુ કાશ્મીરમાં) ધરપકડના સમાચારો પર ચિંતિત છીએ અને લોકોના અધિકારોનું સમ્માન તથા પ્રભાવિત સમુદાયો સાથે ચર્ચાની અપીલ કરીએ છીએ.