નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને નવી દિલ્હી ખાતે એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજેપી તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે વાજપેયીને ફક્ત રૂટીન ચેકઅપ માટે ભરતી કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અટલ બિહારી વાજપેયીની તબિયત છેલ્લા કેટલાય સમયથી ખરાબ છે જેને કારણે તેઓ પોતાના ઘરમાં જ રહે છે.
ઉલ્લેખનીય છે કે ડોકટરોની સલાહ બાદ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ચેકઅપ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલરિયાની દેખરેખમાં ચાલી રહ્યું છે. આ અગાઉ ડોક્ટર રૂટીન ચેકઅપ માટે તેમના ઘર પર જ જતા હતા પરંતુ આ વખતે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 93 વર્ષીય વાજપેયી ડિમેશિયા નામની બિમારીથી પીડિત છે. તેઓ 2009થી વ્હીલચેર પર છે. કેટલાક સમય અગાઉ ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વાજપેયી 1991,1996,1998,1999 અને 2004માં લખનઉથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર બિન કોગ્રેસી નેતા છે.25 ડિસેમ્બર 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન મારફતે 1942માં ભારતીય રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.