હૈદરાબાદઃ કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીનું 77 વર્ષની  ઉંમરમાં નિધન થયું છે. તેમણે  હૈદરાબાદના એઆઇજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જયપાલ રેડ્ડી નિમોનિયાથી પીડિત હતા ત્યારબાદ તેમને  કેટલાક દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેડ્ડી ચાર વખત ધારાસભ્ય, ચાર વખત લોકસભાના સાંસદ અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે.


કોગ્રેસ નેતા રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતા કોગ્રેસે લખ્યું કે, પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીના નિધનના સમાચાર સાંભળી દુખી છીએ. તેમણે ધારાસભ્ય, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ તરીકે સારુ કામ કર્યું. તેમના પરિવાર અને મિત્રોને  દુખના  આ સમયમાં  તાકાત મળશે. રેડ્ડીનો જન્મ 16 જાન્યુઆરી 1942માં થયો હતો. તે મનમોહનસિંહ સરકારમાં સાયન્સ અને ટેકનોલોજી મંત્રી હતા. રેડ્ડી વર્ષ 1998માં આઇકે ગુજરાલના કેબિનેટમાં  સૂચના અને પ્રસારણ મંત્રી હતા. વર્ષ 1999માં  તે 21 વર્ષ બાદ ભારતીય  રાષ્ટ્રીય કોગ્રેસમાં પાછા ફર્યા હતા.

વર્ષ 2009માં  રેડ્ડી ચેવેલ્લા ક્ષેત્રથી 15મી લોકસભાની  ચૂંટણી જીત્યા હતા. તેમણે યુપીએ-2માં કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રી અને કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસમંત્રીના રૂપમાં કામ કર્યું.