નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઈંદિરા ગાંધી ઈંડોર સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થવાના અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમે કહ્યું, કારગિલ વિજયગાથા પેઢીઓને પ્રેરાણા આપતી રહેશે.


મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નથી લડતી, યુદ્ધ સમગ્ર દેશ લડે છે. કારગિલ વિજય ભારતના સંકલ્પની જીત હતી. ભારતની મર્યાદા અને અનુશાસનની જીત હતી. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા બદલ કારગિલ સહિત જમ્મુ-કાશ્મીરના તમામ નાગરિકોનું અભિનંદન. હું તે યુદ્ધ દરમિયાન પણ કારગિલ ગયો હતો. મોત સામે હતું છતાં આપણા દરેક જવાનો હાથમાં તિરંગો લઈને આગળ વધતા હતા. સરકાર આવતી-જતી રહે છે પરંતુ સૈનિક અજર-અમર રહે છે.

પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઈ કપટ કરતું આવ્યું છે. પાકિસ્તાને 1965, 1971 અને 1999માં છળ કર્યું પરંતુ 1999માં પાકિસ્તાનની શું હાલત થઈ તે બધા જાણે છે. પાકિસ્તાનને આવા જવાબની આશા જ નહોતી.


સૈનિકો આજની સાથે આવનારી પેઢી માટે જીવનું બલિદાન આપે છે. આપણી આવનારી કાલ સુરક્ષિત રહે તે માટે પોતાનું વર્તમાન સ્વાહા કરી દે છે. સૈનિક જિંદગી અને મોતમાં પણ ભેદ નથી કરતાં, તેમના માટે કર્તવ્ય જ સર્વસ્વ હોય છે. આજે યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે. લડાઈઓ હવે સાઇબર વર્લ્ડમાં લડવામાં આવે છે. તેથી સેનાને આધુનિક બનાવવી આપણી જરૂરિયાત છે.  યુદ્ધમાં હારેલા લોકો આતંકવાદને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રની રક્ષા સર્વપ્રથમ છે, જ્યાં રાષ્ટ્રની રક્ષાની વાત હશે ત્યાં કોઈના દબાણમાં કામ નહીં થાય.


ઈતિહાસ સાક્ષી છે કે ભારત ક્યારેય પહેલ નથી કરતું. માનવતાના હિતમાં શાંતિપૂર્ણ આચરણ આપણા સંસ્કારોમાં છે. આપણો દેશ આ નીતિ પર ચાલ્યો છે. ભારતમાં આપણી સેનાની છબિ દેશની રક્ષાની છેતો વિશ્વમાં આપણે માનવતા અને શાંતિના રક્ષક પણ છીએ.

કારગિલ યુદ્ધ વખતે અટલજીએ કહ્યું હતું કે, આપણા પડોશીને લાગતું હતું કે કારગિલને લઈ ભારત વિરોધ કરશે અને તણાવથી દુનિયા ડરી જશે. પરંતુ આપણે જવાબ આપીશું, પ્રભાવશાળી જવાબ આપીશું તેની કલ્પના પણ નહોતી. 1947માં કોઈ એક જાતિ કે ધર્મ નહીં પરંતુ સમગ્ર દેશ આઝાદ થયો હતો. બંધારણ કોઈ એક જાતિ કે ધર્મ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે લખવામાં આવ્યો હતો.