નવી દિલ્હીઃ જાતીય શોષણના મામલામાં ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્વામી ચિન્મયાનંદને આજે જામીન આપવામાં આવ્યા હતા. ઇલાહાબાદ હાઇકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતા ચિન્મયાનંદને જામીન આપ્યા હતા. હાઇકોર્ટે 16 નવેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. ચિન્મયાનંદ પર તેમના જ કોલેજ સ્વામી શુકદેવાનંદ વિધિ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરનારી એક વિદ્યાર્થીનીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ કરાઇ હતી. આ મામલામાં એસઆઇટી તપાસ ચાલી રહી છે.


આ અગાઉ છેલ્લા મહિનામાં શાહજહાંપુરમાં એલએલએમ વિદ્યાર્થીની સાથે જાતીય શોષણના આરોપમાં અનેક મહિના સુધી જેલમાં બંધ પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વામી ચિન્મયાનંદને ઇલાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કેસનું મોનિંટરિંગ કરી રહેલી ઇલાહાબાદ હાઇકોર્ટની ડિવીઝન  બેન્ચે સ્વામી ચિન્મયાનંદની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે પોતાને મોનીટરિંગ કેસમાં પક્ષકાર બનાવવાની માંગ કરી હતી.