નવી દિલ્લીઃ આજે કર્ણાટકના 23મા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા છે. બસવરાજ આ જ ટર્મના ચોથા મુખ્યમંત્રી બન્યા છે. બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 


બી.એસ. યેદિયુરપ્પા ગત 26 જુલાઇ 2019માં મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ તેમણે ગત 26મી જુલાઇ 2021ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમની પહેલા એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી હતા. તેઓ 23 મે 2018થી 23 જુલાઇ 2019 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. આ પહેલા બી.એસ. યેદિયુરપ્પા 17 મે 2018એ બે દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેમણે પણ 19 મે 2018એ રાજીનામું આપી દીધું હતું. 


વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટો પક્ષ ભાજપ હોવાથી યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. તેમજ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેમની પાસે બહુમતી ન હોવાથી તેમણે બે દિવસમાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ પછી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. 


કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. ભાજપની ધારાસભ્યદળની બેઠકમાં બીએસ યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામ પર પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન સૌથી પહેલા ગોવિંદ કરલોજે કર્યુ. અને બાદમાં તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો હતો.


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જે નેતા ઉપમુખ્યમંત્રી બનશે તેમાં આર. અશોક વોક્કાલિંગા સમુદાયથી આવે છે. ગોવિંદ કરજોલ એસસી સમુદાયથી છે અને યેદિયુરપ્પાની સરકારમાં પણ ઉપમુખ્યમંત્રી હતા. તો શ્રીરામાલુ એસટી સમુદાય છે. બોમ્મઈ પહેલા જેડીએસમાં હતા. બે વાર MLC રહ્યા અને 2008માં ભાજપમાં જોડાયા અને ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. તેમના પિતા એસ.આર. બોમ્મઈ પણ પહેલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જે દેવગૌડા સરકારમાં કેંદ્રીય મંત્રી પણ હતા.


નોંધનીય છે કે, ગઈકાલે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર આજે સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યા હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

યેદિયુરપ્પાએ સોમવારે CM પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ દિવસે જ રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં હતાં. એની સાથે જ CMના દાવેદારોની ચર્ચાઓ થવા લાગી છે. યેદિયુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. આ સમુદાય 1990થી ભાજપને સમર્થન કરતો આવ્યો છે. કર્ણાટકની વસતિમાં એનો હિસ્સો લગભગ 17 ટકા છે. રાજ્યની 224 વિધાનસભા સીટમાંથી 90થી 100 સીટ પર લિંગાયતોનો પ્રભાવ છે.