છત્તીસગઢ: છત્તીસગઢના બીજાપુરમાં ચૂંટણી પહેલા એક મોટો નક્સલી હુમલો થયો છે. હુમલામાં સીઆરપીએફના ચાર જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બીજાપુરથી બાસાગુડા તરરેમ માર્ગ પર આવાપલ્લી અને મુરદોંડા વચ્ચે થઈ હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સીઆરપીએફના 168 બટાલિયનના જવાનો પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી. વાહનમાં 6 જવાન સવાર હતા. અને તે શિબિરથી લગભગ એક કિલોમીટરના અંતરે હતા ત્યારે નક્સલીઓએ સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આવતા મહીનામાં છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થવાની છે. પ્રથમ ચરણમાં નક્સલી પ્રભાવિત વિસ્તારમાં મતદાન થવાનું છે. બીજાપુરમાં પ્રથમ ચરણમાં ચૂંટણી થવાની છે અને એવામાં આ વિસ્તારમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સુરક્ષાકર્મીઓ પર મોટો હુમલો માનવમાં આવી રહ્યો છે.