COVID-19 Free Booster Dose: ભારતમાં આજથી એટલે કે 15મી જૂલાઈથી કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામા આવશે. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરશે.
રસીકરણને ઝડપ મળશે
સરકારના આ નિર્ણય બાદ દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી મફતમાં લગાવી શકાશે. સરકાર દ્વારા પણ આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે કોરોનાની પ્રથમ અને બીજી રસીના ડોઝ માટે લોકોમાં જેવો ઉત્સાહ હતો, તેટલો જ બૂસ્ટર ડોઝને લઈને જોવા મળ્યો ન હતો.
આ પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે તે સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવતો ન હતો. આ માટે તેમને પૈસા ચૂકવવા પડતા હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. જો કે, ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જોઇએ નહી અને બને તેટલી જલદી બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી.
નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં રસીના 199 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા કે બૂસ્ટર ડોઝની સંખ્યા લગભગ 5 કરોડ છે. હવે એવી અપેક્ષા છે કે આગામી થોડા દિવસોમાં આ આંકડો ઝડપથી વધશે. 18-59 વર્ષની વયના લોકો માટે બૂસ્ટર ડોઝ આ વર્ષે 10 એપ્રિલથી શરૂ થયા હતા.