નવી દિલ્હીઃ કરોડો રૂપિયા લઇને વિદેશ ભાગી ગયેલા આર્થિક ભાગેડુઓને વેસ્ટ ઇન્ડિઝથી પાછા લાવવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ મિશનને અંજામ આપવા માટે એર ઇન્ડિયાના એક લોંગ રેન્જ બોઇંગ વિમાનની મદદ લેવામાં આવી રહી છે. સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ આ ભાગેડુઓને પકડીને પાછા લાવવા માટે વેસ્ટ ઇન્ડિઝ જશે. વિવાદીત પેડ સિટિઝનશીપનો ફાયદો ઉઠાવીને હિરાનો વ્યાપારી મેહુલ ચોક્સી અને વિનસમ ડાયમંડ્સના પ્રમોટર જતિન મહેતા જેવા ભાગેડુઓએ આ દેશોની નાગરિકતા લીધી છે. મહેતાએ કેટલાક વર્ષ અગાઉ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસની નાગરિકતા લીધી હતી જ્યારે ચોક્સીએ તાજેતરમાં જ એન્ટિગુઆ એન્ડ બારબુડાની નાગરિકતા લીધી છે. આ દ્ધિપ 132 દેશોમાં વિઝા ફ્રી યાત્રાની સુવિધા આપે છે. ભારતના આર્થિક ગુનેગારો વચ્ચે પૈસા આપીને નાગરિકતા લેવા માટે આ દ્ધિપ લોકપ્રિય થયો છે. તપાસ એજન્સીના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે આ ચોક્સી તથા નીરવ મોદી જેવા લોકો જ આ દેશોના નિશાના પર હોય છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે નીરવ મોદી ક્યા દ્ધિપમાં આશરો લઇ રહ્યો છે. મેહુલ ચોક્સીને કેરેબિયન દેશમાંથી ઉઠાવી શકાય છે જ્યારે નીરવ મોદીને યુરોપમાંથી ઉઠાવવામાં આવી શકે છે. પ્રત્યાર્પણ કરાર ના હોવાના કારણે આ દ્ધિપ ભારતના ભાગેડુઓ માટે સુરક્ષિત આશરો બની રહ્યા છે. તે સિવાય અન્ય દેશ જેવા કે ગ્રેનાડા, સેન્ટ લુસિયા અને ડોમિનિસિયા પણ આ પ્રકારે પૈસા લઇને નાગરિકતા આપવાનું કામ કરે છે.