નવી દિલ્હીઃ દેશની સરકારી બેન્કોના કરોડો રૂપિયા લઇને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. સ્વિઝરલેન્ડ સરકાર સીબીઆઇને માલ્યાના તમામ એકાઉન્ટ્સની વિગતો સોંપવા માટે તૈયાર છે. સીબીઆઇએ સ્વિસ ઓથોરિટીઝને અપીલ કરી હતી કે માલ્યાના ચાર બેન્ક એકાઉન્ટ્સમાં રહેલા ફંડને બ્લોક કરી દેવામાં આવે. જિનેવાના સરકારી અભિયોજકે 14 ઓગસ્ટ 2018ના રોજ સીબીઆઇના આગ્રહ પર સહમતિ વ્યક્ત કરી હતી અને માલ્યાના ત્રણ અન્ય એકાઉન્ટ્સ અને તેના સંબંધિત પાંચ કંપનીઓની વિગતો આપવાની તૈયારી બતાવી હતી.
સ્વિસ કોર્ટના મતે ચાર બેન્ક એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવી રહ્યા છે અને ચાર અન્ય બેન્ક એકાઉન્ટ્સમાંથી એક વિજય માલ્યાના નામ પર અને ત્રણ અન્ય ડ્રાયટન રિસોર્સિઝ, બ્લેક ફોરેસ્ટ હોલ્ડિંગ્સ અને હેરિસન ફાઇનાન્સના નામે છે. નોંધનીય છે કે વિજય માલ્યા સરકારી બેન્કોના 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને ડિફોલ્ટર જાહેર થયો હતો. તે હાલમાં દેશ છોડીને બ્રિટનમાં રહે છે. સ્વિઝરલેન્ડની ફેડરલ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, માલ્યા વિદેશી પ્રક્રિયામાં ખામી કાઢવા માટે અધિકૃત નથી. તે કોઇ ત્રીજા દેશમાં રહે છે અને ભારતનો પ્રત્યાર્પણ પેન્ડિગ છે. ક્રિમિનલ પ્રક્રિયાના સવાલ પર સંબંધિત દેશ નિર્ણય કરશે જ્યાં તે રહે છે.
નોંધનીય છે કે બેન્ક એકાઉન્ટ્સની માહિતી શેર કરવાના નિર્ણયની વિરુદ્ધમાં માલ્યાની સ્વિસ લીગલ ટીમ સ્વિઝરલેન્ડના સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને દલીલ આપી હતી કે ભારતમાં પ્રક્રિયામાં ગંભીર ખામીઓ છે કારણ કે માલ્યાના વિરુદ્ધમાં તપાસ કરી રહેલી સીબીઆઇના સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના જ ભ્રષ્ટાચારના આરોપી છે. માલ્યાએ માનવાધિકાર પર યુરોપિયન કન્વેશનના આર્ટિકલ 6નો પણ સહારો લીધો હતો.