નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ  સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું.  આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.  ગૃહમંત્રી અમિત શાહે પીએમના સંબોધન બાદ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી અનેક ટ્વિટ કર્યા હતા.


ગૃહમંત્રી શાહે કહ્યું, આજે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની જનતાએ તેની સામે લડવાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. સરકાર દ્વારા  સમય પર લેવામાં આવેલા નિર્ણય અને જનતાના સહકારથી આ શક્ય બન્યું છે.


ભારત તથા ભારતવાસીઓના જીવન અને તેની રક્ષા માટે લેવામાં આવેલા નિર્ણય માટે પ્રધાનમંત્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.


તેમણે કહ્યું, દેશના ગૃહમંત્રી હોવાના કારણે જનતાને ફરી વિશ્વાસ અપાવું છું કે દેશમાં અનાજ, દવાઓ તથા અન્ય રોજબરોજની ચીજોનો પૂરતો ભંડાર છે. તેથી કોઈપણ નાગરિકે પરેશાન થવાની જરૂરિયાત નથી. ધનિકોને તેમની આસપાસ રહેતા ગરીબ લોકોની મદદ કરવા વિનંતી કરું છું.


ગૃહમંત્રીએ કહ્યું, તમામ રાજ્ય સરકાર જે પ્રકારે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે.