Covishield Vaccine: ફ્રાંસે ભારતમાં બનેલી કોવિડ-19 વેક્સિન એસ્ટ્રાજેનેકા (ભારતમાં કોવિશીલ્ડ)નો ડોઝ લેનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી છે. આ નિર્ણય રવિવારથી જ અમલી બનશે. તેના પર ભારતમાં કોવિશીલ્ડનું નિર્માણ કરતી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનું નિવેદન સામે આવ્યું છે.
અદાર પૂનાવાલાએ કહ્યું, મુસાફરો માટે આ ખરેખર સારા સમાચાર છે. કારણકે આપણે જોયું કે યુરોપીયન દેશોએ પ્રવેશ માટે સ્વીકૃત વેક્સિન તરીકે કોવિશીલ્ડને માન્યતા આપી રહ્યા છે. જોકે વેક્સિન લગાવ્યા છતાં એન્ટ્રી માટે ગાઈડલાઈન્સ અલગ અલગ દેશો માટે ભિન્ન હોય છે.
અનેક યુરોપીયન દેશો પહેલા જ ભારતમાં નિર્મિત એસ્ટ્રાજેનેકાની રસીને માન્યતા આપી ચુક્યા છે. જેનો મોટા પાયે બ્રિટન તથા આફ્રિકામાં ઉપયોગ થઈ રહ્યો છે. દરેક દેશમાં અલગ અલગ નિયમ હોવાના કારણે ચાલુ વર્ષે ગરમીની રજામાં મુસાફરી કરવી કંટાળાજનક થઈ ગઈ હતી. ફ્રાંસે અત્યાર સુધી ચીન કે રશિયન રસીને માન્યતા આપી નથી. યુરોપીય સંઘના નિયામકે અત્યાર સુધીમાં ફાઇઝર-બાયોએનટેક, મોડર્ના, જોનસન એન્ડ જોનસન તથા એસ્ટ્રાજેનેકાની રસીને મંજૂરી આપી છે.
દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500-1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થઅય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38079 નવા કેસ સામે આવ્યા છે અને 560 લોકના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 38949 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 43916 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 6397 એક્ટિવ કેસ ઘટ્યા છે.
કોરોના કુલ કેસ
હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 24 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાક 13 હજાર 91 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 2 લાખ 27 હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ 3 કરોડ 10 લાખ 64 હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.
40 કરોડ જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 16 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 96 લાખ 95 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 12 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.98 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.