નવી દિલ્હી: ચીન સાથે હાલમાં જ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં દેશના 20 જવાન શહીદ થયા હતા. સરહદની રક્ષાને જ પ્રાથમિકતા સમજતા જવાનોના શહાદત બાદ તેમની પરિવારની જવાબદારી મોટો સવાલ હોય છે. ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોમાં કર્નલ સંતોષ બાબૂ પણ એક સૈનિક હતા. હવે તેમની શહીદી બાદ તેમના પત્નીને તેલંગણા સરકારે ડેપ્યૂટી કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.


તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આ વાતની જાહેરાત કરી અને કર્નલ સંતોષની પત્નીને સૂર્યપેટ જિલ્લાના ડેપ્યૂટી કલેક્ટર બનાવ્યા છે.

તેલંગણા સરકારનો આ નિર્ણય ખૂબ જ સરાહનીય છે કારણ કે શહીદ સંતોષ જેમણે દેશ માટે પોતાનું કર્તવ્ય નિભાવ્યુ તેમના પરિવાર પ્રત્યે પણ દેશ અને સરકારની જવાબદારી હતી.

ઉલ્લેખનીય છે કે 15 જૂને ચીન સાતે ભારતીય સૈનિકોની LAC એટલે કે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 જવાન શહીદ થયા હતા. કર્નલ સંતોષ બાબૂ 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

કર્નલ સંતોષ પોતે તેલંગણાના સૂર્યકોટના રહેવાસી હતા. તેલંગણા સરકારે ન માત્ર તેમના પત્નીને ડેપ્યૂટી કલેક્ટરની નોકરી આપી પરંતુ તેમના પરિવારને આર્થિક સહાય તરીકે પાંચ કરોડ રૂપિયા પણ આપશે. આ સાથે જ 600 ગજ જમીન પણ શહીદ સંતોષના પરિવારને આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.