Sidhu Moosewala: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. બુધવારે માનસાની એક અદાલતે 22 જૂન સુધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પંજાબ પોલીસની કસ્ટડીમાં મોકલી દીધો છે. લોરેન્સને કડક સુરક્ષા વચ્ચે વહેલી સવારે 4.40 વાગ્યે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ રિમાન્ડ મેળવ્યા બાદ પંજાબ પોલીસ બિશ્નોઈને ખરડ સ્થિત સીઆઈએ સ્ટાફ કાર્યાલય લઈ ગઈ હતી જ્યાં તેની પુછપરછ કરવામાં આવશે.
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં એસઆઈટી અને એજીટીએફ લોરેન્સ બિશ્નોઈ સાથે પુછપરછ કરશે, એસઆઈટીનું કહેવું છે કે, લોરેન્સની પુછપરછમાં મૂસેવાલા હત્યાકાંડમાં જરુરી પુરાવા મળી શકે છે. જેનાથી હત્યામાં સંડોવાયેલા હત્યારાઓની ધરપકડ થઈ શકે છે. અત્યાર સુધી પોલીસે ફક્ત એ લોકોની ધરપકડ કરી છે જેમની પર હથિયાર આપવા અને રેકી કરવાની આશંકા છે.
કોર્ટે પંજાબ પોલીસને એવા આદેશ પણ આપ્યા છે કે, આરોપીની મેડિકલ તપાસ દિલ્હી છોડવાની પહેલાં અને પંજાબના સંબંધિત સીજીએમ કોર્ટની સામે રજૂ કરતાં પહેલાં કાયાકીય રીતે નિયમ અનુસાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મેના દિવસે પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં હત્યા કરાઈ હતી. કથિત રીતે આ હુમલાખોરો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હતા.
આ પણ વાંચોઃ