મુંબઈ: મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયો ગાડી મળી આવી છે. મુંબઈમાં એન્ટીલિયા નિવાસ પાસે બિનવારસીમાં મળેલી ગાડીમાંથી જિલેટીન મળતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્કોડ, પોલીસ અને જોઈન્ટ પોલીસ કમીશ્નર પહોંચ્યા છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે.

વાહન કબજે કરવામાં આવ્યું છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટક કેમ રાખવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવશે.


મુંબઇ પોલીસના પીઆરઓએ જણાવ્યું હતું કે, "આજે ગામડેવી પોલીસ સ્ટેશનની હદ હેઠળ કાર્મિકલ રોડ પર એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું, ત્યારબાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની ટીમ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી, વાહનની તપાસ કરી હતી અને વિસ્ફોટક સામગ્રી જિલેટીન મળી હતી. આ એસેમ્બલ ડિવાઈઝ નથી. હાલમાં તપાસ ચાલી રહી છે. "



પ્રાપ્ત જાણકારી અનુસાર જે સ્કોર્પિયો મળી છે. તેનો નંબર પ્લેટ મુકેશ અંબાણીની કાર રેન્જ રોવરની નંબર પ્લેટ સાથે મેચ થાય છે. તેની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી છે અને પોલીસે કાર કબ્જે કરી લીધી છે. પોલીસને આ સ્કોર્પિયોમાંથી 25થી વધુ જિલિટીન સ્ટિક્સ મળી છે.