નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે 15 જૂનની રાતે ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈ મોટો ખુલાસો કર્યો છે. એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું, ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે એક રહસ્યમય આગના કારણે આ ઘટના બની હતી. આગ ચીની સૈનિકોના ટેન્ટમાં લાગી હતી.


જનરલ વીકે સિંહે જણાવ્યું, ભારત અને ચીનના લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીતમાં બોર્ડર નજીક કોઈ પણ સૈનિક હાજર નહીં રહે તેવો ફેંસલો થયા હતો. પરંતુ જ્યારે 15 જૂનની સાંજે કમાંડિંગ ઓફિસર બોર્ડર પર ચેકિંગ માટે ગયા તો જોયું કે ચીનના તામમ લોકો પરત નહોતા ગયા. ત્યાં ચીની સૈનિકોના તંબૂ લાગેલા હતા. કમાંડિંગ ઓફિસરે તંબૂ હટાવવા માટે કહ્યું. આ દરમિયાન ચીની સૈનિકો જ્યારે તંબૂ હટાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ બંને દેશના સૈનિકો ઝઘડી પડ્યા. ભારતીય સૈનિક ચીની સૈનિક પર ભારે પડ્યા. બંને દેશોએ પોતાના લોકો બોલાવ્યા. હિંસક અથડામણ દરમિયાન ચીનના 40થી વધારે સૈનિકો માર્યા ગયા. આ વાત સાચી છે.

જનરલ વીકે સિંહનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કે અત્યાર સુધી એવો દાવો કરવામાં આવતો હતો કે, કર્નલ સંતોષની દગાથી હત્યા કરવામાં આવી, જે બાદ ભારતીય સૈનિકોએ ટેન્ટમાં આગ લગાવી દીધી હતી.