હૈદરાબાદઃ દેશમાં કોરોના વકરી રહ્યો છે, અનેક રાજ્યોમાં હાલત બેકાબૂ થઈ રહી છે. કોરોના વાયરસના કારણે દેશના હજારો પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે. આ દરમિયાન હૈદરાબાદમાં એક દુઃખદ મામલો સામે આવ્યો છે.


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, હૈદરાબાદની ચેસ્ટ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવકનું કોરોનાથી મોત થયું હતું. વ્યક્તિએ મોત પહેલા પરિવારજનોને સેલ્ફી વીડિયો મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું ડોક્ટર્સ પર વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના શુક્રવારે રાતે બની હતી અને રવિવારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયોમાં મૃતક કહી રહ્યો છે કે, "તેમણે વેન્ટિલેટર હટાવી લીધું છે અને મારી અરજી છતાં ત્રણ કલાકથી ઓક્સિજન સપોર્ટ આપ્યો નથી. હું બરાબર શ્વાસ નથી લઈ શકતો ડેડી, બાય ડેડી, બાય ઓલ." આ વીડિયો મોકલ્યાની થોડી મિનિટોમાં જ તેનું મોત થયું હોવાનું પિતાએ જણાવ્યું હતું.

ચેસ્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મેહબૂબ ખાને કહ્યું, વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યા ઓરોપ ખોટા છે. યુવક ઓક્સિજન પર જ હતો. અચાનક હૃદય બંધ થઈ જવાથી યુવકનું મોત થયું હતું. છેલ્લા થોડા દિવસોમાં આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે.  25-40 વર્ષના લોકોમાં હૃદયમાં વાયરલ ઈન્ફેક્શન હોવાના કારણે મોત થતા હોવાની નવી ઘટનાઓ સામે આવી રહી છે. તેમને ઓક્સિજન આપવામાં આવે છે છતાં તેમને અપૂરતો લાગે છે.

ખાને એમ પણ કહ્યું કે, જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. ડોક્ટરોએ તેને બચાવવાની પૂરી કોશિશ કરી હતી. આમાં ડોક્ટરોનો કોઈ વાંક નથી.