હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારબાદ તેલંગણા કૉંગ્રેસના અધ્યક્ષ એન ઉત્તમ રેડ્ડીએ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર બે બેઠકો પર સિમિત રહી ગઈ છે.

મુખ્યમંત્રી કેં. ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસએ ચાર વર્ષ પહેલાની ચૂંટણીમાં 150 વોર્ડમાંથી 99માં જીત મેળવી હતી, જ્યારે ભાજપે માત્ર 4 બેઠકો જીતી શકી હતી.
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (GHMC) ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર સફળતા મળી છે. પરંતુ નિગમ પર ટીઆરએસ ફરી એક વખત કબજો જમાવવા જઈ રહ્યું છે. કે ચંદ્રશેખરની પાર્ટી ટીઆરએસએ 56 બેઠકો પર જીત મેળવી છે અને સૌથી મોટી પાર્ટી બની છે. નિગમમાં બહુમત માટે 76 બેઠકોની જરૂર છે.

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ત્રીજા નંબર પર રહી અને પાર્ટીએ 43 બેઠકો પર જીત મેળવી છે. કુલ 150 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 49 બેઠકો પર જીત મેળવી છે. 2016ની ચૂંટણીમાં ટીઆરએસ 99, એઆઈએમઆઈએમ 44, ભાજપ 4, કૉંગ્રેસ 2 અને ટીડીપી એક બેઠક જીતી હતી.
TRS- 56
BJP - 49
AIMIM - 43
INC - 02

ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પાર્ટી માટે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે, ટીઆરએસ રાવનો ચહેરો અને મુખ્યમંત્રી તરીકે તેમના કામકાજ પર નિર્ભર રહી હતી.

કોણે કેટલી બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા ?

સત્તારૂઢ ટીઆરએસએ તમામ 150 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે 149 વોર્ડમાં ઉમેદવાર ઉતાર્યા હતા. કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ અને ટીડીપીએ ક્રમશ: 146, 51 અને 106 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.