કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરતા ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને કોગ્રેસ વર્કિંગ કમિટીનું પુનઃગઠન કર્યું.
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જૂન ખડગેને મહાસચિવના પદ પરથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીને સંગઠનાત્મક ફેરફાર માટે પત્ર લખનારા 23 નેતાઓમાં સામેલ આઝાદને મહાસચિવના પદ પરથી હટાવાની સાથે સીડબલ્યૂસીમાં સ્થાન આપ્યું છે. 24 ઓગસ્ટના રોજ CWC ની બેઠકમા બનેલી સહમતિ અનુસાર છ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ પાર્ટીના સંગઠન અને કામકાજ સંબંધિત મામલામાં સોનિયા ગાંધીને સહયોગ કરશે.
આ વિશેષ સમિતિમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલા સામેલ છે. સુરજેવાલા અને તારિક અનવરને પાર્ટીના નવા મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે.