JAMMU KASHMIR : લાંબા સમયથી નારાજ ચાલી રહેલા ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. ગુલામ નબીના સમર્થનમાં હવે કોંગ્રેસના ઘણા નેતાઓએ ધડાધડ રાજીનામા ધરી દીધા છે. 


કોંગ્રેસના મોટા નેતાઓએ આપ્યાં રાજીનામા
ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ તરત જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરએસ ચિબે પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત જીએમ સરોરી, હાજી અબ્દુલ રશીદ, મોહમ્મદ અમીન ભટ, ગુલઝાર અહેમદ વાની અને ચૌધરી મોહમ્મદ અકરમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું.






આઝાદે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો 
નોંધનિય છે કે, આગામી સમયમાં કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે એવા સમયે ગુલામ નબી આઝાદે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુલામ નબી આઝાદનું કાશ્મીરમાં ઘણું વર્ચસ્વ છે.


ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 જૂથમાં પણ સામેલ હતા. G-23 જૂથ સતત કોંગ્રેસમાં ઘણા ફેરફારોની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સપાએ તેમને રાજ્યસભામાં પણ મોકલ્યા છે.


ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી જ્યારે તેમણે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યાના કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપ્યું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ આઝાદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડે. તેથી જ તેમને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબીએ પદ મળ્યાના થોડા કલાકો બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.


ગુલામ નબીના રાજીનામા પર સુનીલ જાખડે  કહ્યું- આ અંતની શરૂઆત છે
ગુલામ નબીના રાજીનામા પર ભાજપના નેતા સુનીલ જાખરે કહ્યું કે આ અંતની શરૂઆત છે. ગુલામ નબી આઝાદના રાજીનામાનો અર્થ એ છે કે આ સ્થિતિ પહેલાથી જ સ્પષ્ટ હતી પરંતુ પાર્ટી તેની અવગણના કરી રહી હતી. પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા, આરપીએન સિંહ, જિતિન પ્રસાદ અને હવે ગુલામ નબી આઝાદ.