પણજી: ગોવા સરકારે કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખતા રાજ્ય બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દીધી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાને લઈને નિર્ણય આગામી બે દિવસમાં કરવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે આ જાણકારી આપી હતી. 


મુખ્યમંત્રીએ કહ્યું કે એક સમિતિના સૂચન પર આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગોવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સિવાય શિક્ષણ ક્ષેત્રના એક્સપર્ટ સામેલ હતા. તેમણે કહ્યું 10માં ધોરણના ગુણ શૈક્ષણિક સત્ર 2020-21માં યોજાયેલી પરીક્ષાના આંતરિક મૂલ્યાંકનના આધાર પર આપવામાં આવશે. 



પ્રમોદ સાવંતે કહ્યું,  એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એટીકેટી પરીક્ષામાં સામેલ થવાની તક આપવામાં આવશે. સાયન્સ અને ડિપ્લોમાં પસંદ કરનારા વિદ્યાર્થીઓને એક દિવસની પરીક્ષામાં ભાગ લેવો પડશે, સંચાલન ગોવા બોર્ડ કરશે. એવા વિદ્યાર્થીઓને એક દિવસની પરીક્ષા વિશે 15 દિવસ પહેલા સૂચના આપવામાં આવશે. તેમણે કહ્યું કે 12 માં ધોરણની પરીક્ષાઓને લઈને આવનારા બે દિવસમાં નિર્ણય કરવામાં આવશે. 


ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક


સીબીએસઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓએ કહ્યું પરીક્ષા યોજાવી જોઈએ, પરંતુ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થાય, બાદમાં પરીક્ષા યોજાય.


મનીષ સિસોદિયાએ કહ્યું કે 12માં ધોરણના 95 ટકા વિદ્યાર્થીઓ 17.5 વર્ષથી વધારે ઉંમરના છે, કેંદ્રએ વિશેષજ્ઞો સાથે વાત કરવી જોઈએ શું તેમને કોવિશીલ્ડ, કોવેક્સીન રસી લગાવી શકાય.  તેમણે કેંદ્રને કહ્યું કે વિદ્યાર્થીઓને રસી આપ્યા પહેલા 12માં બોર્ડની પરીક્ષાઓ કરાવવી એક મોટી ભૂલ સાબિત થશે.


મનીષ સિસોદિયાએ બેઠકમાં કહ્યું કે કેંદ્ર સરકારે 12માં બોર્ડના વિદ્યાર્થીઓના વેક્સિનેસનના સંબંધમાં ફાઈઝર સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું બાળકોની સુરક્ષા આપણી જવાબદારી છે.


રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી બેઠકમાં કેંદ્રીયન શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર સિવાય તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિત ઘણા અદિકારીઓ સામેલ થયા હતા.


રાજનાથ સિંહે બે દિવસમાં લેખિતમાં માંગ્યો રાજ્યો પાસે જવાબ


બેઠકમાં રાજનાથ સિંહે પરીક્ષા કરવાને લઈ તમામ રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ બે દિવસ અંદર લેખિતમાં જવાબ આપવો પડશે. તમામ રાજ્યો પાસેથી જવાબ મળ્યા બાદ 30 મેના બેઠક બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે.