નવી દિલ્હી: ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે કહ્યું કે આ દેશ માટે એક ક્ષતિ છે.


મનોહર પર્રિકરના નિધન બાદ કાલે દેશમાં રાષ્ટ્રી શોકની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પર્રિકર એક વર્ષથી પણ વધુ સમયથી કેન્સર જેવી બીમારી સામે લડી રહ્યાં હતા. પર્રિકરને ફેબ્રુઆરી 2018માં પ્રેક્રિયાટિકના કેન્સરથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ તેઓ અમેરિકા, મુંબઈ અને દિલ્હીમાં સારવાર લઈ ચુક્યા હતા.

પર્રિકરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે હું ખુબજ દુખી છું. વડાપ્રધાન મોદી અને તમામ કેન્દ્રીય મંત્રી કાલે ગોવા જશે અને મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપશે.




રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન વિશે સાંભળીને ખૂબજ દુખ થયું. તેઓ સાર્વજનિક જીવનમાં ઇમાનદારી અને સમપર્ણનું એક પ્રતીક હતા. ગોવા અને ભારત તેમની સેવાને નહીં ભૂલે.”


કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ગોવાના સીએમ મનોહર પર્રિકરજીના નિધનના સમાચારથી દુખ થયું. તેઓ એક વર્ષથી વધુ સમય દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતા. પાર્ટી લાઈનોમાં સન્માનિય અને પ્રશંસનિય, તે ગોવાના પસંદગીના પૂત્રોમાંથી એક હતા. દુખના આ સમયે તેમના પરિવાર પ્રતિ મારી સંવેદના છે.’