પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધન બાદ પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બુધવારે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે. હાલમાં સભ્યોની સંખ્યા 36 છે જેમાં બહુમત માટે સરકારને 19 ધારાસભ્યોની જરૂર હતી. ફ્લોર ટેસ્ટ દરમિયાન સરકારને 20 ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું જ્યારે 15 ધારાસભ્યોએ વિપક્ષમાં મત આપ્યો હતો. આ રીતે પાંચ મતના અંતરથી પ્રમોદ સાવંતની સરકારને વિશ્વાસનો મત હાંસલ કર્યો છે.


ફ્લોર ટેસ્ટ દરમિયાન સાવંત સરકારને ભાજપના 11, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, ગોવા ફોરવર્ડ પાર્ટીના 3 અને અન્ય અપક્ષોએ સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે ભાજપના 12 ધારાસભ્યોમાંથી સાત ધારાસભ્યો અલ્પસંખ્યક સમુદાયના છે, મનોહર પાર્રિકરના નિધન બાદ પ્રમોદ સાવંતના 11 મંત્રીઓ સાથે સોમવારે મોડી રાત્રે 2 વાગ્યે શપથ લીધા હતા. પાર્રિકરના નિધન બાદ ભાજપને સરકાર જાળવવામાં ખૂબ મહેનત કરવી પડી. એમજીપી અને જીએફપીને નાયબ મુખ્યમંત્રીના પદ આપવા પડ્યા છે.