પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર ત્રણ મહિના બાદ ફરીથી કામકાજ પર પરત ફર્યા છે. અમેરિકામાં સારવાર બાદ પર્રિકર ગુરુવાર સ્વદેશ પરત ફર્યા હતા. એડવાન્સ પૈનક્રિયાટિક કેન્સરને કારણે પર્રિકર સારવાર માટે અમેરિકા ગયા હતા.ભારત પરત ફર્યા બાદ પર્રિકરે આજે સવારે પણજીથી 15 કિલોમીટર દૂર ખંડોલા ગામમાં દેવકી કૃષ્ણ મંદિરમાં ઇષ્ટદેવના દર્શન કર્યા હતા. દેવકી કૃષ્ણ પર્રિકરના કુળ દેવતા છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા હતા. બાદમાં પોતાના કાર્યાલય પર જઇને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
પર્રિકરે એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો હતો જેમાં તેમણે શુભચિંતકોનો આભાર માન્યો હતો. પર્રિકરે કહ્યું કે, આજથી તેઓ કામ પર પાછા ફર્યા છે અને દુઆઓ માટે શુભચિંતકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેને કારણે મને રિકવર થવામાં મદદ અને તાકાત મળી છે.પર્રિકર છ માર્ચના રોજ અમેરિકા ગયા હતા અને સતત ટ્વિટ અને વીડિયો સંદેશ મારફતે પોતાના પ્રશંસકો સાથે સંપર્ક કરતા હતા. ત્રણ જૂનના રોજ પર્રિકરે અમેરિકાની હોસ્પિટલથી ભારતીય પત્રકારોને ફોન કર્યો હતો.