25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે.


ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. તો દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં ભાજપ દર વર્ષે સુશાસન દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે આ ઉજવણીને વિશિષ્ટ બનાવીને ખેડૂતો સુધી પહોંચવામાં આવશે.

પીએમ મોદીની સરકાર સતત ખેડૂત હિતમાં નિર્ણય કરી રહી છે અને અત્યાર સુધી લીધેલા નિર્ણયો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે.

પીએમ મોદીએ ગઈકાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “આવતીકાલનો દિવસ દેશના અન્નદાતાઓ માટે મહત્ત્વનો છે. બપોરે 12 કલાકે વીડિયો કન્ફરન્સિંગ દ્વારા 9 કરોડથી વધારે ખેડૂત પરિવારને પીએમ કિસાનનો આગામી હપ્તો રિલીઝ કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસર પર અનેક રાજ્યોના ખેડૂત ભાઈ-બહેનો સાથે વાતચીત પણ કરીશ.”